April 11, 2021

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

લોકડાઉન આવશે કે નહીં? હાઈકોર્ટના નિર્દેશ પર રુપાણીએ પ્રતિક્રિયા આપી

Share This :

હાઈલાઈટ્સ:

  • સીએમ રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સુરત પહોંચ્યા
  • રેમડેસેવીર ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો
  • સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા 800 બેડની નવી સરકારી ફેસિલિટી ઉભી કરાશે

સુરત: ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા ત્રણ-ચાર દિવસનો કરફ્લુ લગાવવો જરુરી હોવાનું જણાવ્યા બાદ સીએમ રુપાણીએ તેના પર પ્રતિક્રિયા આપી છે. આજે સુરત પહોંચેલા રુપાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં સરકારના વકીલ કમલ ત્રિવેદી સાથે આ અંગે ચર્ચા થઈ છે. આખો રિપોર્ટ સાંજે ગાંધીનગર પહોંચશે અને તેના પર ચર્ચા-વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે લોકડાઉન અંગે કૉમેન્ટ કર્યા બાદ અમદાવાદ સહિતના શહેરોમાં લોકોએ કરિયાણાની દુકાનો આગળ લાઈનો લગાવી દીધી છે.

રુપાણીએ કહ્યું હતું કે કોર્ટે શું જણાવ્યું છે તેની વિગતો ના હોવાના કારણે હાલ તેઓ તેના પર કોઈ કૉમેન્ટ ના કરી શકે. જોકે, કોર ગ્રુપમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે લોકોને આશ્વસ્ત કરવા એમ પણ જણાવ્યું હતું કે, લોકોને કોઈ તકલીફ ના પડે તે સરકારની જવાબદારી છે. સાથે લોકો કોરોનાથી મુક્ત રહે તેના માટે પણ સરકાર જવાબદાર છે. જેથી સરકાર લોકોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે.

રુપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં દર્દીઓ અને મૃતકોના આંકડા વધી રહ્યા છે તે સરકારના ધ્યાનમાં છે. આ તમામ બાબતે સરકાર ગંભીર છે, અને સંક્રમિતોનો મૃત્યુદર ઘટે તે માટે તમામ જરુરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાળકોમાં પણ કોરોના ફેલાયો હોવા અંગે સીએમે કહ્યું હતું કે બાળકોને પણ સારવાર મળી રહે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે, અને શાળા-કોલેજો પણ બંધ કરી દેવાઈ છે.

રાજ્યમાં રેમડેસેવીર ઈન્જેક્શનોની અછત ઉભી થઈ રહી છે, ત્યારે રુપાણીએ દાવો કર્યો હતો કે તેની કોઈ શોર્ટેજ નથી. સરકારે રેમડેસેવીરના ત્રણ લાખ ડોઝનો ઓર્ડર કરી દીધો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની જ કંપની ઈન્જેક્શન બનાવે છે. રોજના 20-25 હજાર ઈન્જેક્શનનો હાલ સપ્લાય ચાલુ કરી દેવાયો છે. સુરતમાં પણ ગઈકાલે બે હજારનો સ્ટોક હતો અને આજે રાત સુધીમાં બીજા અઢી હજાર ઈન્જેક્શન અહીં પહોંચી જશે.

રેમડેસેવીર ઈન્જેક્શન માટે દર્દીના સગાને ક્યાંય ફરવું ના પડે તે માટે ખાનગી હોસ્પિટલોમાં પણ તેનો જથ્થો પૂરો પાડવામાં આવશે તેમ પણ રુપાણીએ કહ્યું હતું. સુરતમાં થોડા સમયમાં 800 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરી દેવાશે તેવી પણ સીએમે જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, અને આગામી દિવસોમાં તેમાં હજુય વધારો થાય તેવી શક્યતા છે.

સતત વધી રહેલા કેસો વચ્ચે વેક્સિનેશન તેની સામે લડવાનું હથિયાર ગણાવતા સીએમે દાવો કર્યો હતો કે રાજ્યમાં રોજના 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી છે. તેમણે લોકોને માસ્ક પહેરવાની પણ સલાહ આપતા કહ્યું હતું કે યોગ્ય રીતે માસ્ક પહેરનારા માંડ 2 ટકા લોકોને જ કોરોના થાય છે. આમ, લોકો તેની ગંભીરતા સમજીને માસ્ક પહેરવાનું ના ચૂકે. તેમણે રાજ્યમાં ટેસ્ટિંગ પણ વધારાયું હોવાની માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાતમાં હાલના દિવસોમાં 1.20 લાખ જેટલા રોજેરોજ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. જે લોકો પોઝિટિવ આવે છે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

પોઝિટિવ દર્દીની ઝડપથી ટ્રીટમેન્ટ થાય તે માટે 104 હેલ્પલાઈનની વ્યવસ્થા કરાઈ છે. તેના પર ફોન કરતાં જ સરકારી વાન પેશન્ટના ઘરે પહોંચી જશે અને તેની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. આ ઉપરાંત, હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે સંજીવની રથ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને તેમનું રોજેરોજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સંજીવની રથોની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 100 સુધી કરવામાં આવશે તેમ પણ રુપાણીએ કહ્યું હતું.

સુરતમાં આગામી દિવસોમાં નાની-નાની હોસ્પિટલોમાં પણ કોરોનાની ટ્રીટમેન્ટ આપવાની છૂટ આપવામાં આવશે. કોરોનાના માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ આ નર્સિંગ હોમમાં એડમિટ થઈ શકશે. જેથી તેમની સ્થિતિ વધુ ના વણસે. બીજી તરફ, ગંભીર દર્દીઓને મોટી હોસ્પિટલોમાં જગ્યા મળી રહે તે પણ તેનાથી સુનિશ્ચિત થશે. કોરોનાના ગંભીર દર્દીઓ વધી રહ્યા હોવાથી વેન્ટિલેટરની પણ મોટી ડિમાન્ડ ઉભી થઈ છે. જેને ધ્યાનમાં રાખતા આગામી દિવસોમાં સુરતમાં 300 વધારાના વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ પણ રુપાણીએ કહ્યું હતું.

Share This :