April 11, 2021

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

વિધાનસભા ચૂંટણીઃ બંગાળ-આસામમાં જંગી મતદાન અને કેરળ,પોંડિચેરી,તમિલનાડૂમાં ચૂંટણીનું સમાપન

Share This :

હાઈલાઈટ્સ:

  • પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કા માટે 77.68 ટકા મતદાન
  • તમિલનાડૂ, કેરળ અને પોંડેચેરીમાં વિધાનસભા ચૂંટણીનું સમાપન
  • આસામમાં ત્રીજા તબક્કામાં 82.33નું જંગી મતદાન

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારે મતદાન નોંધાયું છે જ્યારે તમિલનાડૂ, કેરળ અને પોંડેચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. આ પાંચે રાજ્યોમાં સાંજે પાંચ વાગ્યે નાની મોટી હિંસક ઘટનાઓ સાથે મતદાન પુરુ થયું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કા માટે 77.68 ટકા, આસામમાં પણ ત્રીજા તબક્કા માટે 82.33 ટકા મતદાન થયું હતું. આ સિવાય કેરળમાં 70.52 ટકા, તમિલનાડૂમાં 65.78 ટકા અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચેરીમાં 81.21 ટકા મતદાન થયું હતું. નોંધનીય છે કે, કેરળમાં 140 સીટો, તમિલનાડૂ 234 સીટો અને પોંડેચેરીમાં 30 સીટો માટે વિધાનસભા ચૂંટણી એક જ તબક્કે સમાપ્ત કરવામાં આવી છે. જ્યારે બંગાળમાં આઠ તબક્કે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.

ચૂંટણી આયોગે મંગળવારે મોડી સાંજે કહ્યું કે, તમામ સ્થળો પર મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયું. ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચેરીમાં મંગળવારે કુલ 475 વિધાનસભા સીટો માટે 1.5 લાખ મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કાના મતદાન સુધી ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચેરીથી 947.98 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં આખા દેશની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર ટકી રહી છે, કારણ કે અહીં ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થઇ રહી છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે પરંતુ આ દરમિયાન અનેક પોલિંગ બુથ પર હિંસાના બનાવો, બંને પક્ષો વચ્ચે સંઘર્ષ અને EVM મશીનમાં ગડબડીના આરોપના અનેક બનાવો સામે આવ્યા હતા.

બંગાળમાં સત્તા પક્ષ ટીએમસી મુજબ અનેક મતદાન કેન્દ્રો પર ઇવીએમમાં ગડબડી કરવામાં આવી હતી. ટીએમસીનો આરોપ હતો કે મતદાતાઓ ટીએમસીને વોટ આપવા બટન દબાવતા હતાં, પરંતુ મત ભાજપના ખાતામાં પડતો હતો. ટીએમસીએ અનેક બુથો પર તેમના કાર્યકર્તાઓ સાથે હિંસાની ફરિયાદો પણ કરી હતી.

Share This :